અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દવાના કાળા કારોબાર પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ (FDCA) લાલ આંખ કરી છે. તંત્રને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને બનાવટી દવાઓના વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન તંત્રએ આશરે 40 લાખ રૂપિયાથી વધુની કિંમતનો નકલી દવાઓનો જથ્થો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. પરવાના વગર અને ધોરણોનું ઉલ્લંઘન કરીને વેચાતી આ દવાઓ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતી, જેને પગલે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.
40 લાખની બનાવટી દવાઓ જપ્ત
દરોડાની આ કાર્યવાહીથી અમદાવાદના ફાર્મા બજારમાં ખળભળાટ મચી ગયો છે. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા જથ્થામાં એવી દવાઓનો સમાવેશ થાય છે જે જાણીતી બ્રાન્ડના નામે પેક કરીને વેચવામાં આવતી હતી. હાલમાં આ કૌભાંડમાં સામેલ શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ દવાઓ ક્યાંથી લાવવામાં આવી હતી તેમજ તેનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. લોકોના જીવ જોખમમાં મૂકનાર તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.













