અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા જનસેવા કેન્દ્રમાં ટેકનિકલ ખામી સર્જાતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જનસેવા કેન્દ્રનું સર્વર ડાઉન થઈ જતાં કેન્દ્રની સંપૂર્ણ કામગીરી ઠપ થઈ ગઈ છે, જેના કારણે કેન્દ્રના પ્રવેશદ્વાર પર 'કામગીરી બંધ છે' તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. દૂરેદૂરથી આવેલા નાગરિકોને કામ વગર પરત ફરવું પડી રહ્યું છે અને કલાકો સુધી રાહ જોયા બાદ પણ સર્વર શરૂ ન થતા લોકો જનસેવા કેન્દ્રના ધરમધક્કા ખાઈ રહ્યા છે. ખાસ કરીને વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોમાં તંત્રની આ નિષ્ફળતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


જનસેવા કેન્દ્રની કામગીરી ખોરવાઈ

સર્વર ડાઉન હોવાને કારણે આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો અને સૌથી મહત્વની એવી વિધવા સહાય યોજનાના ફોર્મ સ્વીકારવાની કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની કામગીરી અટકી પડતા અનેક લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ડિજિટલ ઈન્ડિયાના દાવાઓ વચ્ચે વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યાને કારણે લોકોનો સમય અને ભાડાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે અથવા ટેકનિકલ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે જેથી જનતાને હાલાકી ભોગવવી ન પડે.

આ પણ વાંચો : Patan News : હારીજમાં ખનન માફિયાઓનો હાહાકાર, ખાખડી ગામના ગૌચરમાં ગેરકાયદે ખોદકામથી ગ્રામજનો લાલઘૂમ

  • Follow us on: