અમદાવાદ શહેરમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેતા ભારે વાહનો અને ડમ્પરોનો આતંક યથાવત છે. શહેરના માર્ગો પર સવારના 8:00 થી રાતના 10:00 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ હોવા છતાં, ડમ્પરો બેફામ રીતે દોડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. 'સંદેશ ન્યૂઝ' દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં વહીવટી તંત્ર અને ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.


પ્રતિબંધિત સમયમાં બેફામ દોડતા ડમ્પર

રિયાલિટી ચેક દરમિયાન જોવા મળ્યું હતું કે, શહેરના મુખ્ય જંક્શનો પર જ્યાં ટ્રાફિક પોલીસ કર્મીઓની ગેરહાજરી હોય છે, ત્યાં ડમ્પર ચાલકો પ્રતિબંધિત સમયમાં પણ બિન્દાસપણે પ્રવેશે છે. ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતા આ ડમ્પરો નાગરિકો માટે 'મોતનું ડમ્પર' સાબિત થઈ રહ્યા છે. માત્ર બે દિવસના ગાળામાં જ શહેર ટ્રાફિક પોલીસે સઘન ચેકિંગ હાથ ધરીને 102 જેટલા કેસ નોંધ્યા છે અને કુલ રૂ.5.27 લાખનો દંડ ફટકાર્યો છે.

ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેજ

ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનારા અનેક ભારે વાહનોને ડિટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. જોકે, માત્ર દંડની કામગીરીથી આ જોખમી ચાલકોમાં ડર પેદા થતો નથી. સ્થાનિક રહીશોની માંગ છે કે, પ્રતિબંધિત કલાકોમાં ભારે વાહનો પ્રવેશ ન કરે તે માટે કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ મુકવામાં આવે અને ટેકનોલોજીની મદદથી આવા ચાલકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: