આ પ્રસંગે રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દરેક વોર્ડમાં નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાહીબાગ વિસ્તારના વિકાસ માટે હાથ ધરવામાં આવેલા આ કાર્યો સ્થાનિક નાગરિકોના જીવનસ્તરને વધુ સુખાકારીપૂર્ણ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. વિકાસકાર્યોની શરૂઆત તરીકે શાહીબાગ ખાતે આવેલા સિનિયર સિટીઝન પાર્કના રીનોવેશન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ રીનોવેશન બાદ વૃદ્ધ નાગરિકોને હરવા-ફરવા, આરામ કરવા તથા સામાજિક પ્રવૃત્તિઓ માટે વધુ સુવિધાસભર, સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ થશે.
સ્થાનિક રહીશોને દૈનિક આવાગમનમાં સુવિધા મળશે
આ ઉપરાંત, શાહીબાગ વોર્ડની નીલકંઠ પાર્ક–૨, પરમેશ્વર પાર્ક સોસાયટી, શ્રી ઉત્તર ગુજરાત વીર માયા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, ઉત્તર ગુજરાત સોસાયટી, વાસુદેવ નગર સોસાયટી તથા ગ્રીન સિટી ફ્લેટ સહિતની વિવિધ જગ્યાઓએ આર.સી.સી. રોડ, પથ્થર પેવિંગ અને પેવર બ્લોક જેવા આવશ્યક માળખાગત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોથી વાહનવ્યવહાર સરળ બનશે તેમજ સ્થાનિક રહીશોને દૈનિક આવાગમનમાં સુવિધા મળશે. આ વિસ્તારની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના હેતુસર પરકોલેટિંગ વેલના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પરિયોજનાથી વરસાદી પાણીના સંગ્રહ થકી ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે અને પાણી સંરક્ષણને પ્રોત્સાહન મળશે.












