અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. સુભાષબ્રિજમાં ભયજનક તિરાડો અને સળિયા દેખાયા બાદ હવે સાબરમતી નદી પરના દધિચી બ્રિજમાં પણ સળિયા દેખાવા લાગતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે. વર્ષ 2011માં લોકો માટે ખુલ્લો મુકાયેલા આ બ્રિજની હાલત ટૂંકા ગાળામાં જ ખરાબ થઈ જતાં તેની ગુણવત્તા પર શંકાની સોય સેવાઈ રહી છે. એક તરફ સુભાષબ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવતા ટ્રાફિકનું ભારણ વધ્યું છે, ત્યારે બીજી તરફ તેની વૈકલ્પિક વ્યવસ્થા સમાન દધિચી બ્રિજ પણ જોખમી બનતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
AMC પ્રોજેક્ટ વિભાગની નિષ્ફળતા?
સુભાષબ્રિજ બંધ થવાને કારણે હાલમાં તમામ ટ્રાફિકને વાડજ વિસ્તાર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેના કારણે સવાર-સાંજ વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. મનપાના બ્રિજ પ્રોજેક્ટ વિભાગની આ ગંભીર બેદરકારીને કારણે લોકોના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે. જો સમયસર આ બંને બ્રિજનું મજબૂતીકરણ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હાલમાં સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી અને ભ્રષ્ટાચારને લઈને ઉગ્ર ચર્ચાઓ જાગી છે.













