અમદાવાદ શહેરની જીવાદોરી સમાન AMTS બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ચાંદખેડા રૂટની બસના ડ્રાઈવર દ્વારા એક મહિલા પેસેન્જરને જાહેરમાં અપશબ્દો બોલતા જોઈ શકાય છે. આ વીડિયોએ નાગરિકોમાં ભારે આક્રોશ જન્માવ્યો હતો. વાયરલ વીડિયો મુજબ આ ઘટના ચાંદખેડા રૂટની 401 નંબરની બસમાં બની હોવાનો અંદાજ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બસ ડ્રાઈવર કોઈ બાબતે ઉશ્કેરાઈ જઈને મહિલાને બિભત્સ ગાળો આપી રહ્યો છે અને અત્યંત તોછડું વર્તન કરી રહ્યો છે.
અમદાવાદમાં AMTS બસનો વીડિયો થયો હતો વાયરલ
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ડ્રાઈવર AMTS નો કાયમી કર્મચારી નહીં, પરંતુ કોન્ટ્રાક્ટ પર ચાલતી ખાનગી બસનો ડ્રાઈવર હતો. વીડિયો વાયરલ થતાં જ AMTS ના ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. તંત્રએ તાત્કાલિક અસરથી નીચે મુજબના પગલાં લીધાં છે; ડ્રાઈવરને સસ્પેન્ડ: મહિલા સાથે ગેરવર્તન કરનાર ડ્રાઈવરને તાત્કાલિક નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. એજન્સીને દંડ: આ ડ્રાઈવર જે ખાનગી એજન્સી હેઠળ કામ કરતો હતો, તે એજન્સીને પણ નિયમોના ઉલ્લંઘન બદલ મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.













