ગુજરાતની સૌથી મોટી એવી ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ચાલી રહેલા વિવાદે હવે પોલીસ સ્ટેશન સુધી જોર પકડ્યું છે. NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) ના કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા, તેના વિરોધમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો. NSUI ના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે યુનિવર્સિટી કેમ્પસમાં તેમના દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટર્સને અજાણ્યા શખ્સો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.


કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધાયા બાદ હોબાળો

કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ અસામાજિક તત્વોએ લાકડીઓ અને તલવારો જેવા ઘાતક હથિયારો વડે NSUI ના પોસ્ટર્સ ફાડી નાખ્યા છે. આક્ષેપ એવો પણ છે કે આ શખ્સોએ પુરાવા નાશ કરવાના હેતુથી કેમ્પસમાં લાગેલા CCTV કેમેરામાં પણ તોડફોડ કરી છે. NSUI ના આગેવાનોનું કહેવું છે કે એક તરફ તેમના કાર્યકર્તાઓ સામે ફરિયાદો નોંધવામાં આવે છે, જ્યારે બીજી તરફ ખુલ્લેઆમ હથિયારો સાથે તોડફોડ કરનારા તત્વો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી.

CCTVમાં પણ તોડફોડ કરી હોવાનો આક્ષેપ

આ ભેદભાવભરી નીતિ સામે કાર્યકર્તાઓએ પોલીસ મથકમાં જ ધરણાં ધરી ન્યાયની માંગ કરી હતી. પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મધ્યસ્થી કરી હતી. NSUI એ માંગ કરી છે કે કેમ્પસના CCTV ફૂટેજ તપાસીને હથિયારો સાથે તોડફોડ કરનારા તમામ શખ્સોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આ ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસ અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: