અમદાવાદ શહેરમાં વધતા જતા ટ્રાફિક અને રોડ પર થતા આડેધડ પાર્કિંગને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી અને કડક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. હવે જો કોઈ કોમર્શિયલ એકમ કે બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યા હોવા છતાં મુલાકાતીઓને વાહન પાર્ક કરતા રોકવામાં આવશે, તો તે એકમ સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.


નિયમનું ઉલ્લંઘન કરનારા સામે લાલ આંખ

ઘણીવાર જોવા મળે છે કે કોમર્શિયલ કોમ્પ્લેક્સના માલિકો કે સિક્યુરિટી દ્વારા બહારથી આવતા ગ્રાહકો કે મુલાકાતીઓને બેઝમેન્ટ અથવા ફાળવેલ પાર્કિંગમાં વાહન રાખવા દેવામાં આવતા નથી. આના કારણે લોકો મજબૂરીમાં રોડ પર વાહનો પાર્ક કરે છે અને ટ્રાફિક જામ સર્જાય છે. AMCની નવી સૂચના મુજબ: દંડની જોગવાઈ: જો કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગ પાર્કિંગ માટે મનાઈ કરશે, તો તંત્ર દ્વારા તે એકમને સીલ કરવા અથવા ભારે દંડ ફટકારવાની કાર્યવાહી કરાશે. પાર્કિંગ વ્યવસ્થા: મનપાએ સ્પષ્ટ કર્યું છે કે મુલાકાતીઓને પાર્કિંગની સુવિધા આપવી તે બિલ્ડિંગ મેનેજમેન્ટની જવાબદારી છે.

વૈકલ્પિક વ્યવસ્થા અને મલ્ટી લેવલ પાર્કિંગ

શહેરમાં પાર્કિંગના ભારણને ઓછું કરવા માટે AMC દ્વારા અન્ય વિકલ્પો પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે: મલ્ટી લેવલ પાર્કિંગ: વાહનચાલકોને નજીકના મલ્ટી લેવલ પાર્કિંગ પ્લોટનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. મનપાના ખાલી પ્લોટ: જે વિસ્તારોમાં પાર્કિંગની ભારે અછત છે, ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાલી પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવા માટે સૂચના આપવામાં આવશે. AMCના આ કડક આદેશથી હવે કોમર્શિયલ બિલ્ડિંગોએ પોતાના પાર્કિંગ એરિયા ખુલ્લા રાખવા પડશે, જેનાથી રોડ પરના દબાણોમાં ઘટાડો થવાની આશા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: