અમદાવાદના મણિનગરના ફુટબોલ ગ્રાઉન્ડમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક તેની માનીતી બહેનને મુખ્ય આરોપી સાથે સંબંધ ના રાખવા માટે અવાર નવાર ટકોર કરતો હતો. જેને લઇને અગાઉ પણ આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઇ હતી. જેના સમાધાન માટે બોલાવી પૂર્વઆયોજિત કાવતરૂ રચીને હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો છે.


યુવકને સમાધાન માટે બોલાવીને હત્યા કરી

શહેરના મણીનગર વિસ્તારમાં આવેલ ફુટબોલ ગ્રાઉન્ડમાં ઉત્તરાયણની મોડી સાંજે ખુની ખેલ ખેલાયો હતો. અમરાઇવાડી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય ચિરાગ રાઠોડ નામના યુવકને સમાધાન માટે બોલાવીને મંથન ઉર્ફે ઋત્વીક પરમાર નામના યુવકે તેના અન્ય ત્રણ મિત્રો સાથે મળીને હત્યા કરી દીધી હતી.

પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા

ઘટનાની જાણ થતાં જ મણીનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી. અને હત્યાનો ગુનો દાખલ આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસએ મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઋત્વીક પરમાર, જયદિપ ઉર્ફે જય શાહ, હર્ષીલ શાહ અને વિજય પરમાર નામના ચાર આરોપીઓને ઝડપી લીધા છે.

ચિરાગ તેના મિત્રની બહેનને પોતાની બહેન માનતો હતો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચિરાગ તેના મિત્રની બહેનને પોતાની બહેન માનતો હતો. જેને તેની સાથે નોકરી કરતા એટલે કે આ ગુનાના મુખ્ય આરોપી મંથન સાથે મિત્રતા હતી. જો કે ચિરાગે તેની માનીતી બહેનને મંથન સાથે સંબંધ ના રાખવા માટેની જાણ કરી હતી. જેને લઇને ચિરાગ અને મંથન વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો. અને તેની જ અદાવતમાં મંથનએ નયન તેમજ ચિરાગને સમાધાન માટે બોલાવ્યા હતાં. અને પહેલા ચિરાગ સાથે મારા મારી કર્યા બાદ તેને મંથને પાંસળીના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. પકડાયેલ આરોપીઓ મોટાભાગે ખાનગી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.

ઋત્વીક પરમાર અને જયદિપ ઉર્ફે જય શાહનો ગુનાહિત ભુતકાળ

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે મંથન ઉર્ફે ઋત્વીક પરમાર અને જયદિપ ઉર્ફે જય શાહ નામના આરોપીઓ અગાઉ પણ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં પકડાઇ ચુક્યા છે. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર બનાવમાં અન્ય કોઇ સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.



આ પણ વાંચો----  Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

  • Follow us on: