પોલીસનું કામ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું નથી, પરંતુ સમાજ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી નિભાવવાનું પણ છે. આ વાતને સાર્થક કરતા અમદાવાદ શહેર પોલીસ દ્વારા ‘મુસ્કાન’ અભિયાન અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સહાય માટે શુક્રવારના રોજ અમદાવાદ શહેરના ઝોન-6 વિસ્તારમાં એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોહીના સંબંધથી પણ વિશેષ સેવા
થેલેસેમિયાથી પીડાતા બાળકોને જીવન જીવવા માટે નિયમિતપણે લોહી ચઢાવવું અનિવાર્ય હોય છે. આ જરૂરિયાતને સમજીને, પોલીસ કમિશનર જી. એસ. મલિકના સીધા માર્ગદર્શન હેઠળ આ શિબિર યોજાઈ હતી. આ આયોજનમાં અમદાવાદ શહેર પોલીસ અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત પ્રયાસોથી રક્તનો પુરવઠો સુનિશ્ચિત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સર્વધર્મ અને સર્વસમાજની ભાગીદારી
આ ઉમદા કાર્યમાં માત્ર પોલીસ તંત્ર જ નહીં, પરંતુ સામાજિક સંગઠનોએ પણ ખભેખભા મિલાવીને સાથ આપ્યો હતો. CMATA અને મસ્કતી મહાજનના આગેવાનો તથા સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને પાયાના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કરી સમાજ સામે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સ્થાનિક રહીશોએ પણ પોલીસના આ અભિયાનને આવકારી રક્તદાનમાં સહયોગ આપ્યો હતો.
કમિશનરની રૂબરૂ મુલાકાત
અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે વ્યક્તિગત રીતે આ શિબિરની મુલાકાત લીધી હતી. તેમણે રક્તદાતાઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, બાળકોના ચહેરા પર મુસ્કાન લાવવાના આ કાર્યમાં સહભાગી થવું એ અમારા માટે ગર્વની વાત છે. લોહીનો એક-એક ટીપું કોઈક માસૂમનું જીવન બચાવી શકે છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તનો અવિરત પુરવઠો જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ અને રેડ ક્રોસ સોસાયટી સતત કાર્યરત છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો