મેગા સિટી અમદાવાદને 'સ્માર્ટ સિટી' બનાવવાની મોટી-મોટી વાતો વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ચોમાસું બેસે તે પહેલા જ ખુલી ગઈ છે. શહેરના ન્યૂ પશ્ચિમ ઝોનમાં આવેલા હાઈપ્રોફાઈલ ગણાતા મોટેરા અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં રસ્તાઓની હાલત એટલી બદ્તર થઈ ગઈ છે કે વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું છે. હજુ તો વરસાદે વિધિવત એન્ટ્રી પણ નથી કરી ત્યાં રસ્તાઓ ઉબડ-ખાબડ બની ગયા છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


 સ્થાનિક લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો

સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ દરમિયાન મોટેરા અને ચાંદખેડાના સ્થાનિક લોકોએ ભારે આક્રોશ સાથે પોતાની વ્યથા ઠાલવી હતી. વાહનચાલકો અને રહીશોનું કહેવું છે કે, અમે હવે આ ખાડા રાજથી કંટાળી ગયા છીએ. સ્માર્ટ સિટીના નામે ટેક્સ વસૂલવામાં આવે છે પણ સુવિધાના નામે મીંડું છે. રસ્તાઓની હાલત જોઈને એવું લાગે છે કે આપણે કોઈ આધુનિક શહેરમાં નહીં પરંતુ પછાત ગામડામાં રહી રહ્યા છીએ.લોકોએ સણસણતો સવાલ ઉઠાવતા કહ્યું કે, રોડ ટેક્સ અને પ્રોપર્ટી ટેક્સ પણ અમે નિયમિત ભરીએ, તો પછી દર વર્ષે આ નરકાગાર જેવી તકલીફ પણ અમે જ કેમ ભોગવીએ?

ખોદકામ બાદ રસ્તાઓનું પ્રોપર પેચવર્ક કરાયું નથી

અમદાવાદના આ વિસ્તારોમાં મેટ્રો પ્રોજેક્ટ, ડ્રેનેજ લાઈન અને ગેસ લાઈનના ખોદકામ બાદ રસ્તાઓનું પ્રોપર પેચવર્ક કે રિસરફેસિંગ કરવામાં આવ્યું નથી. ઠેર-ઠેર મસમોટા ખાડા સામ્રાજ્ય જમાવીને બેઠા છે, જેના કારણે રોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને લોકો પીઠ તથા કમરના દુખાવાનો ભોગ બની રહ્યા છે. એએમસીનું તંત્ર એસી ચેમ્બરોમાં બેસીને મસ્ત છે અને જનતા રસ્તા પર ત્રસ્ત છે. જો ચોમાસાના પહેલા વરસાદ પહેલા આ ખાડા પૂરવામાં નહીં આવે, તો સ્માર્ટ સિટી અમદાવાદ વેનિસ નગરીમાં ફેરવાઈ જશે અને સ્થિતિ વધુ બેકાબૂ બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે. 


આ પણ વાંચો----     Gujarat Latest News Live : મોદી સરકારના સફળ 12 વર્ષ: ગુજરાતના મંદિરોમાં મહાઆરતીના કાર્યક્રમ



  • Follow us on: