આજે વહેલી સવારે અમદાવાદ શહેરની અંદાજે 15 જેટલી પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. આ ધમકીભર્યા મેઇલ એવા સમયે મળ્યા હતા.જ્યારે ઘણી શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો અને બોમ્બ સ્કવોડ તાત્કાલિક કાર્યરત થયા હતા.
બાળકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના શિક્ષાધિકારી રોહિત ચૌધરીએ સત્તાવાર નિવેદન જારી કર્યુ છે. તેમણે જણાવ્યું હતુ કે, ધમકી મળતા જ સુરક્ષાના કારણોસર પરીક્ષા આપી રહેલા બાળકોને સલામત રીતે બહાર કાઢીને ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. પ્રોટોકોલ પ્રમાણે તમામ અસરગ્રસ્ત શાળાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. રાહતની વાત એ છે કે તપાસ દરમિયાન કોઇ પણ શાળામાંથી કોઇ સંદિગ્ધ વસ્તુ કે વિસ્ફોટ મળી આવ્યા નથી.
બપોરની પાળીની શાળાઓ માટે લેવાશે નિર્ણય
DEO દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી કે સવારની શાળાઓમાં પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે બપોરની પાળીની શાળાઓ શરૂ રાખવી કે નહીં તે અંગેનો નિર્ણય શાળા સંચાલકો પર છોડવામાં આવ્યો છે. વાલીઓમાં ફેલાયેલા ભયને જોતા તંત્રએ અપીલ કરી છે કે ગભરાવાની જરૂર નથી અને પોલીસ આ અનામો મેઇલ મોકલનાર શખ્શોને શોધવા માટે તપાસ કરી રહી છે.
શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી
હાલમાં શહેરની તમામ શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સાયબર ક્રાઇમની ટીમ મેઇલના લોકેશનને ટ્રેક કરી રહી છે. આ ઘટનાને પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ તંત્રની ત્વરિત કામગીરીથી સ્થિતિ નિયંત્રણમાં છે.
આ પણ વાંચોઃ Surat માં ખાખી લજવાઈ, મસાજ પાર્લર ચલાવવા રૂ. 25 હજારની લાંચ લેતા લોકરક્ષક ઝડપાયો!