અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ૩૫ વર્ષ પહેલા બનેલી એક સંભવિત હત્યાની ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચાવી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મળેલી એક સચોટ બાતમીના આધારે વટવાના કુંતુબનગરમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં જેસીબી મશીન અને એફએસએલ (FSL) ની ટીમ સાથે રાખી ખોદકામ શરૂ કર્યું છે. પોલીસને આશંકા છે કે વર્ષ 1992માં એક યુવતીની હત્યા કરી તેના મૃતદેહને અહીંના ખાળકૂવામાં દાટી દેવામાં આવ્યો હતો.
તાંત્રિકો પાસે ભટકનાર પરિવાર હજુ પણ અજાણ
ચોંકાવનારી વાત એ છે કે, જે યુવતીની હત્યા થઈ હોવાની આશંકા છે, તેના પરિવારજનો છેલ્લા 3 દાયકાથી તેને શોધી રહ્યા છે. દીકરી ક્યાં ગઈ તે જાણવા માટે પરિવારે અનેક તાંત્રિકોના ઉંબરા પણ ઘસ્યા હતા, પરંતુ કોઈ ભાળ મળી નહોતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એ.પી. જેબલીયાને બાતમી મળી કે યુવતીની હત્યા થઈ ચૂકી છે અને તેને કુંતુબનગરના પ્લોટમાં દટાયેલી છે. ખોદકામ દરમિયાન માનવ શરીરના કેટલાક અવશેષો અને હાડકાં મળી આવ્યા છે, જેને ડીએનએ (DNA) ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.













