પાણીપુરીની નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. પાણીપુરી કેટલી બીન આરોગ્યપ્રદ હોય છે તે જગ જાહેર છે. તેમ છતા ચટકા પ્રેમીઓ પાણીપુરીનો પ્રેમ એટલો છે કે તેઓ ખાવાનું છોડી શકતા નથી. અમદાવાદના શહેરીજનોની ફેવરિટ એવી ચટપટી પાણીપુરી હવે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 10 દિવસથી હાથ ધરવામાં આવેલી મેગા ડ્રાઈવમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તપાસ દરમિયાન સેંકડો લારીઓ પરથી પ્રતિબંધિત કલર અને બેક્ટેરિયાયુક્ત પાણી મળી આવ્યું છે.


1100થી વધુ લારીઓ પર તપાસનો સપાટો

AMCના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આક્રમક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન કુલ 1121 પાણીપુરીની લારીઓ પર તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ સ્થળ પર જઈને પાણીપુરીના તીખા-મીઠા પાણી અને મસાલાના નમૂના લીધા હતા.

280 લારીઓ પર પ્રતિબંધિત કલરનો વપરાશ

આ તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે, અમદાવાદ શહેરની 280 લારીઓ પર પાણીમાં પરવાનગી વિનાનો અને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો સિન્થેટિક કલર ભેળવવામાં આવતો હતો. પાણીને વધુ આકર્ષક અને ઘાટું બનાવવા માટે આ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું છે.

  • બેક્ટેરિયા ટેસ્ટિંગ: 77 જેટલી જગ્યાઓ પર પાણીમાં બેક્ટેરિયાની ખાસ તપાસ કરવામાં આવી હતી.
  • ગંભીર બેદરકારી: કુલ તપાસ પૈકી 2 જગ્યાઓ પર પાણીમાં જોખમી બેક્ટેરિયા મળી આવ્યા હતા, જે ટાઈફોઈડ અને કોલેરા જેવા રોગો ફેલાવી શકે છે.

વાલીઓ અને નાગરિકો માટે લાલબત્તી

ચોમાસાની વિદાય અને બદલાતી ઋતુ વચ્ચે AMC ની આ કાર્યવાહી એ સાબિત કરે છે કે, બજારમાં મળતી પાણીપુરીમાં સ્વચ્છતાના ધજાગરા ઉડી રહ્યા છે. AMC દ્વારા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા લારીધારકોને દંડ ફટકારવાની સાથે કડક નોટિસ પણ પાઠવવામાં આવી છે. તંત્રએ નાગરિકોને બહારની વસ્તુઓ ખાતા પહેલા સ્વચ્છતાની ચકાસણી કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ ખાલી અમદાવાદના આંકડા છે, નાના શહેરોમાં પરિસ્થિતિ અને ગુણવત્તા વધુ ખરાબ હોય શકે છે. 


આ પણ વાંચો - Ahmedabad News: ટાઇફોઇડનો કહેર વધતા તંત્રની લાલ આંખ, બે દિવસમાં પાણીપુરીની 16 લારીઓ કરી જપ્ત


  • Follow us on: