ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ ફૂડ, ખાસ કરીને પાણીપુરીની ગુણવત્તા અને હાઈજીન જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હવે અમદાવાદ શહેરની પાણીપુરીની લારીઓ પર QR કોડ લગાવવામાં આવશે, જેના દ્વારા ગ્રાહકો સીધો જ પોતાનો પ્રતિભાવ આપી શકશે.


ગ્રાહકોના ફીડબેક પર થશે એક્શન

AMCના આરોગ્ય અધિકારી તેજસ શાહે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા હાઈજીન મેન્ટેન કરવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ખાણીપીણીની લારીઓ પર QR કોડ લગાવવાની સિસ્ટમ અમલી બનશે. આ સિસ્ટમની શરૂઆત સૌથી પહેલા પાણીપુરીની લારીઓથી કરવામાં આવશે. ગ્રાહકો આ QR કોડ સ્કેન કરીને લારી પરની સ્વચ્છતા અને ખાવાની ગુણવત્તા વિશે રેટિંગ કે ફીડબેક આપી શકશે. જે લારીઓ વિશે નકારાત્મક ફીડબેક મળશે, તેની સામે તંત્ર કડક કાર્યવાહી કરશે.

અગાઉ 1600થી વધુ સેમ્પલ લેવાયા

તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, અગાઉ અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી પાણીપુરીના 1600 થી વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક નમૂના સબ-સ્ટાન્ડર્ડ એટલે કે અખાદ્ય માલુમ પડ્યા હતા, જેને પગલે અનેક લારીઓ હટાવવામાં આવી હતી. હવે નવી ટેકનોલોજીની મદદથી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

વેપારીઓને સ્વચ્છતા જાળવવા અપીલ

આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, જે લોકો સ્ટ્રીટ ફૂડના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે જાતે જ સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડશે. જો હાઈજીન બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ જણાશે અથવા QR કોડ દ્વારા મળેલી ફરિયાદો સાચી ઠરશે, તો કાયદેસરના પગલાં ભરીને લારીઓ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો - Ahmedabad News: વટવાના 35 વર્ષ જૂના હત્યા કેસનો મુખ્ય આરોપી શમશુદ્દિન જીવિત હોવાનું ખુલ્યું


  • Follow us on: