અમદાવાદના વટવામાં કુતુબનગરમાં વર્ષ 1992માં પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરીને પરિવારજનો સાથે મળીને ઘરમાં ખાળકૂવામાં તેનો મૃતદેહ દાટી દીધો હોવાની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી.બે મહિના સુધી સતત ક્રાઈમ બ્રાન્ચે ઝીણવટપૂર્વક વિગતો મેળવીને જેસીબીથી મકાન તોડીને ત્યાં કૂવામાંથી માટી કાઢીને તપાસ કરતા મહિલાની લાશના અવશેષો મળી આવ્યા હતાં. મૃતદેહ દાટી દેવામાં મદદ કરનાર અંગે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે મૃતદેહનો DNA ટેસ્ટ કરાવ્યો છે.
શમશુદ્દિનના ભાઈ કરીમે પોલીસ સામે વટાણા વેર્યા
આ કેસમાં મુખ્ય આરોપી શમશુદ્દિનનું મોત થયું હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું. પરંતુ હવે તપાસ આગળ વધતાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે. મુખ્ય આરોપી શમશુદ્દિન જીવિત હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે શમશુદ્દિનના ભાઈ કરીમની પુછપરછ કરી હતી. જેમાં આ માહિતી બહાર આવી છે. ક્રાઈમ બ્રાંચે મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો છે. પોલીસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા બહાર આવી રહ્યાં છે.













