અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટરોની ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદ શહેરમાં 158 જેટલા બિલ્ડિંગોને બીયુ પરમિશન મળી ગયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી આ મિલકતોની ટેક્સ આકારણી કરવામાં આવી નથી. આ મામલો સામે આવતા જ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી બેદરકાર ઇન્સ્પેક્ટરો સામે કડક કાર્યવાહીના સંકેત મળ્યા છે.
ઇન્સ્પેક્ટરોને શો-કોઝ નોટિસ
AMC ના નિયમ મુજબ, કોઈપણ બિલ્ડિંગને BU પરમિશન મળે એટલે તુરંત તેની ટેક્સ આકારણી કરવાની જવાબદારી જે તે વિસ્તારના ટેક્સ ઇન્સ્પેક્ટરની હોય છે. જોકે, 158 બિલ્ડિંગોમાં આ પ્રક્રિયા વર્ષ દિવસથી અટકેલી હોવાથી કોર્પોરેશનની આવકને મોટું નુકસાન થયું છે. આ મામલે જવાબદાર ઇન્સ્પેક્ટરોને 'શો-કોઝ' (કારણ દર્શાવો) નોટિસ ફટકારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.













