કેન્દ્ર સરકારના નવા શ્રમ કાયદા અને ખાનગીકરણની નીતિના વિરોધમાં આજે વિવિધ ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલા 'ભારત બંધ'ના એલાનની અમદાવાદ શહેરમાં વ્યાપક અસર જોવા મળી છે. અમદાવાદ શહેરના ટાઉન હોલ પાસે મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને કર્મચારીઓ એકત્ર થઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.


શું છે આંદોલનકારીઓની મુખ્ય માંગણીઓ?

વિરોધ પ્રદર્શન કરી રહેલા સંગઠનોએ સરકાર સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે.

  • નવા 4 શ્રમ કાયદા (Labour Codes): કર્મચારી વિરોધી ગણાવી તેને તાત્કાલિક રદ કરવા
  • OPS ની માગ: જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની માંગ
  • ખાનગીકરણ પર રોક: સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ બંધ કરવું
  • નવા બિલ પર વિરોધ: વીજળી સુધારા બિલ 2025 અને સીડ બિલ 2025 પાછું ખેંચવું
  • આંગણવાડી સુરક્ષા: આંગણવાડી બહેનોને સામાજિક રક્ષણ અને લઘુત્તમ વેતન આપવું

બેંકિંગ વ્યવહાર પર મોટી અસર

આ હડતાળમાં બેંક કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાતા નાણાકીય વ્યવહારો પર માઠી અસર પડી છે. બેંક યુનિયનના આગેવાનોના મતે, નવા લેબર લો મુજબ કર્મચારીઓનો વિરોધ કરવાનો અધિકાર છીનવાઈ જશે. કોઈપણ માંગણી માટે અગાઉથી લેખિત મંજૂરી લેવાની જટિલ જોગવાઈઓનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં આશરે 15 હજારથી વધુ બેંક કર્મચારીઓ હડતાળ પર હોવાથી કરોડો રૂપિયાના ક્લિયરિંગ અને ટ્રાન્જેક્શન અટકી પડ્યા છે.

શોષણ પ્રથા સામે બ્યૂગલ

ટાઉન હોલ ખાતે વિરોધમાં જોડાયેલા કર્મચારી નેતાઓએ જણાવ્યું કે, સરકારની શોષણ પ્રથા અને ખાનગીકરણને કારણે મધ્યમ અને શ્રમિક વર્ગ પાયમાલ થઈ રહ્યો છે. જો સરકાર આ પડતર માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


આ પણ વાંચો - Ahmedabad Fire News : શિવાલિક હાઈ સ્ટ્રીટમાં લાગી આગ, 100 લોકોનું કરાયું રેસ્ક્યુ


  • Follow us on: