અમદાવાદ શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે, તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી એક પણ આયોજકને સત્તાવાર રીતે કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૧૧ જેટલા મોટા આયોજકોએ પાર્ટી અને સેલિબ્રેશન માટે મંજૂરીની માગણી કરતી અરજીઓ કરી છે. જોકે, પોલીસે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને પ્રાથમિકતા આપીને તમામ અરજીઓ પર સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે.
આયોજકોમાં ચિંતા વધી
મંજૂરી આપતા પહેલા પોલીસ કમિશનર કચેરી દ્વારા જે-તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનો પાસે વિગતવાર અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ જે-તે સ્થળની સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગની ક્ષમતા, ફાયર સેફ્ટી અને સીસીટીવી કેમેરા જેવા મહત્વના પાસાઓનું નિરીક્ષણ કરીને પોતાનો રિપોર્ટ સોંપશે. આ અભિપ્રાયના આધારે જ અંતિમ મંજૂરી આપવામાં આવશે. મંજૂરીમાં થઈ રહેલા વિલંબને કારણે આયોજકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે ટિકિટના વેચાણ અને અન્ય આયોજનો પર તેની સીધી અસર પડી રહી છે.













