અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત વાર્ષિક ફ્લાવર શોની તૈયારીઓ હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આગામી 1 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ આકર્ષક ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ વર્ષે ફ્લાવર શોની મુખ્ય થીમ 'ભારત એક ગાથા' રાખવામાં આવી છે, જે ભારતના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિને ફૂલોના માધ્યમથી ઉજાગર કરશે. દર વર્ષે સામાન્ય રીતે 15 દિવસ સુધી ચાલતો આ શો, પ્રવાસીઓના ભારે પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે 25 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે, જે અમદાવાદીઓ માટે નવા વર્ષની મોટી ભેટ સાબિત થશે.


48 પ્રકારના ફૂલછોડથી રિવરફ્રન્ટ મહેકી ઉઠશે

આ વખતનો ફ્લાવર શો વિશાળ 73 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં ફેલાયેલો હશે, જેમાં 48 થી વધુ પ્રકારના વિદેશી અને દેશી ફૂલછોડનું પ્રદર્શન કરવામાં આવશે. પ્રદર્શનમાં મુખ્ય 6 આકર્ષણના કેન્દ્રો રહેશે, જેમાં ભારતના વિવિધ તહેવારો, શાસ્ત્રીય નૃત્યો, પૌરાણિક ભારતના સ્કલપચર અને દેશની વિવિધ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓની પ્રતિકૃતિઓ જોવા મળશે. આ ઉપરાંત, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઝોન પણ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ભવ્ય આયોજન દ્વારા ભારતીય વારસાને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દેશે.

આ પણ વાંચો : Ahmedabad માં થર્ટી ફર્સ્ટ પર લોખંડી બંદોબસ્ત, 9000 પોલીસ જવાનો તૈનાત, સિંધુ ભવન અને CG રોડ રહેશે બંધ

  • Follow us on: