અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કરોડોના ખર્ચે બનેલા બ્રિજો હવે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. સુભાષબ્રિજ બાદ હવે શહેરના વ્યસ્ત એવા ઈન્કમટેક્સ ફ્લાય ઓવરમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે. આ બ્રિજના સ્પાન વચ્ચેના જોઈન્ટ્સ ખુલી ગયા છે અને તેને ફિટ કરવા માટે લગાવેલા સ્ક્રૂ પણ નીકળી ગયા હોવાનું ધ્યાને આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર 6 વર્ષ અગાઉ 65 કરોડ રૂપિયાના અધધ ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. જુલાઈ મહિનામાં જ કોર્પોરેશન દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હોવા છતાં આટલી મોટી ખામી રહી જવી તે એન્જિનિયરોની કામગીરી પર મોટા સવાલ ઉભા કરે છે.
નિરીક્ષણના નામે મીંડું
બ્રિજની સ્થિતિ જોખમી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે હજારો વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. બ્રિજના જોઇન્ટ્સ અલગ પડી રહ્યા હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ તંત્ર બ્રિજ રીપેરીંગના દાવા કરે છે, તો બીજી તરફ નવા બ્રિજોમાં પણ ગણતરીના વર્ષોમાં ક્ષતિઓ દેખાતા 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવો ઘાટ સર્જાયો છે. સ્થાનિકો અને વાહનચાલકોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.













