આગામી 31મી ડિસેમ્બરને લઈને ઠેર ઠેર ઉજવણી થતી હોય છે. ત્યારે ફાર્મ હાઉસ સહિતની જગ્યાઓ પર થતી મહેફિલોમાં ભંગ પાડવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. રાજ્યમાં મોટા શહેરો સહિતના વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે. ત્યારે સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત ફાર્મ હાઉસ પર પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું છે.
વિઝિટર્સ અને રોકાણ કરનારની પણ માહિતી ચકાસી
સુરતમાં આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે સધન ચેકિંગ હાથ ધર્યું છે. ઈચ્છાપોર પોલીસે સુરત ગ્રામ્યમાં આવેલા ફાર્મ હાઉસમાં તપાસ હાથ ધરી હતી. ફાર્મ હાઉસના દરેક ખૂણામાં બારીકાઈથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ફાર્મ હાઉસના રજિસ્ટરની માહિતી પણ ચકાસી હતી. ફાર્મ હાઉસમાં આવતા વિઝિટર્સ અને રોકાણ કરનારની પણ માહિતી ચકાસવામાં આવી હતી.













