રાજકુમાર જાટ હત્યા કેસમાં મુખ્ય આરોપી ગણેશ જાડેજાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલા નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં ગણેશ જાડેજાને ક્લીનચીટ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગોંડલથી અંદાજે 55 કિલોમીટર દૂર રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. આ કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેનો સત્તાવાર રિપોર્ટ હવે ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
ગોંડલ હત્યા કેસમાં વળાંક
આ નાર્કો ટેસ્ટ દરમિયાન નિષ્ણાતો દ્વારા ગણેશ જાડેજાને કુલ 31 જેટલા અલગ-અલગ અને જટિલ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં મારામારી પાછળનું મુખ્ય કારણ શું હતું, બદલો લેવા માટે કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું અને હત્યાના કાવતરામાં અન્ય કોની સંડોવણી છે તેવા પાયાના સવાલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટેસ્ટના તારણો મુજબ ગણેશની સંડોવણી સાબિત ન થતા તેને મોટી રાહત મળી છે. જોકે, કાયદાકીય પ્રક્રિયા હજુ ચાલુ છે અને આગામી 11 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટમાં આ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.













