અમદાવાદમાં આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પશુ-પક્ષીઓ અને માનવ જિંદગીની સુરક્ષા માટે એક ભવ્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરના નવતર પ્રયોગ અંતર્ગત શહેરની વિવિધ શાળાઓના આશરે 5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સુરક્ષિત ઉત્તરાયણ ઉજવવાના શપથ લીધા હતા. "મારો આનંદ કોઈનો જીવ ન લે, એ જ મારી ઉત્તરાયણ" ના સૂત્ર સાથે બાળકોએ જીવદયા અને સંવેદનાના પાઠ શીખ્યા હતા. આ સામૂહિક સંકલ્પ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં તહેવારની સાથે સામાજિક જવાબદારીનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ચાઇનીઝ દોરીને 'ના'
આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખાસ કરીને જીવલેણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાનો અને પક્ષીઓના અવરજવરના સમયે એટલે કે વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ચગાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. ઉત્તરાયણ દરમિયાન આકાશમાં ઉડતા નિર્દોષ પક્ષીઓ દોરીથી ઘાયલ ન થાય તે માટે બાળકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ પક્ષીઓની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખશે. કલેક્ટર તંત્રના આ પ્રયાસને વાલીઓ અને શિક્ષણ જગતે બિરદાવ્યો છે, જેનો મુખ્ય હેતુ તહેવારના હર્ષોલ્લાસમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે સુનિશ્ચિત કરવાનો છે.













