અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક યુવાને પ્રેમ પ્રકરણના કારણે ભયાનક અંત આણ્યો હોવાની રૂંવાડાં ઊભાં કરી દે તેવી ઘટના સામે આવી છે. ફતેવાડીમાં રહેતા 29 વર્ષીય કામરાનખાન પઠાણ નામના યુવાને પોતે જ પોતાના પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપન કરી લેતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવક કામરાનખાન તેના પડોશમાં રહેતી 28 વર્ષની યુવતીના પ્રેમમાં હતો, જે સરખેજમાં આવેલી એક હોસ્પિટલમાં નોકરી કરે છે. યુવક યુવતી જ્યાં કામ કરતી હતી ત્યાં પહોંચ્યો હતો અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ કામરાનખાન પઠાણે પોતાની સાથે લાવેલી પેટ્રોલની બોટલ પોતાના પર છાંટીને લાઈટર વડે જાતે જ સળગી ગયો હતો. યુવકને સળગતો જોઈને યુવતી આઘાતમાં સરી પડી હતી અને તે પણ બેભાન થઈ જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


પરિવારજનોના વિપરીત નિવેદનોથી ગૂંચવાડો

આ કરુણ ઘટના બાદ બંને પરિવારના સભ્યોના નિવેદનોમાં વિપરીત દાવાઓ સામે આવ્યા છે. યુવતીના ભાઈનું કહેવું છે કે મૃતક યુવક છ મહિનાથી તેની બહેનની છેડતી કરતો હતો અને આ અંગે અગાઉ વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવેલી છે કે કેમ, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ, મૃતક યુવકના ભાભીનું કહેવું છે કે યુવક અને યુવતી એકથી દોઢ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા અને બંને પરિવાર વચ્ચે લગ્નનો પ્રસ્તાવ પણ મૂકાયો હતો. જોકે, યુવતીએ બાદમાં લગ્ન કરવાની ના પાડી દેતાં યુવક આઘાતમાં સરી પડ્યો હતો.

અંતિમ વોટ્સએપ સ્ટેટસ

આ ઘટનાના થોડા કલાકો પહેલાં જ યુવકે પોતાના વોટ્સએપ પર એક ભાવુક સ્ટેટસ મૂક્યું હતું, જેમાં તેણે યુવતી સાથેનો ફોટો મૂકીને લખ્યું હતું: "તેરે એક ઇલ્ઝામ ને એક ભતીજે કા એક લોતા ચાચા છીન લિયા... વક્ત હો ચાલ હૈ." સરખેજ પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હોસ્પિટલના CCTV ફૂટેજ મેળવ્યા છે અને યુવતીની સ્થિતિ સામાન્ય થતાં જ તેનું નિવેદન નોંધશે. આ સાથે જ, આ ઘટના બાદ ગુમ થયેલા યુવકના મોબાઇલ ફોનની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આત્મવિલોપન પાછળનું સાચું કારણ યુવતીના નિવેદન બાદ જ સ્પષ્ટ થઈ શકે છે.

આ પણ વાંચો : Junagadh News : GIDC ના કારખાનામાં થયેલી ચોરીનો પડદો ઉંચકાયો, B ડિવિઝન પોલીસે મુખ્ય આરોપીને દબોચી લીધો 

  • Follow us on: