જુનાગઢ શહેરની પોલીસને એક મોટી સફળતા મળી છે. લગભગ છ મહિના પહેલા GIDC વિસ્તારમાં આવેલા એક કારખાનામાં થયેલી ચોરીનો ભેદ જુનાગઢ બી ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો છે અને ચોરી કરનાર મુખ્ય આરોપી શખ્સની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, GIDC વિસ્તારના એક કારખાનામાં છ મહિના પૂર્વે ચોરીની ઘટના બની હતી. આ ચોરીમાં કારખાનામાંથી લગભગ રૂપિયા 57,000 ની મત્તાની ચોરી થઈ હતી. આ બનાવની ફરિયાદ નોધાતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
CCTV ફૂટેજ બન્યા 'આંખ'
પોલીસ તપાસ દરમિયાન આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. પોલીસે આ ફૂટેજ અને ગુપ્ત બાતમીના આધારે ચોરી કરનાર શખ્સની ઓળખ કરી હતી અને ગણતરીના સમયમાં જ તેને ઝડપી પાડ્યો હતો. જુનાગઢ બી ડિવિઝન પોલીસે ચોરી કરનાર આરોપી શખ્સની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરવા અને અન્ય કોઈ ચોરીના બનાવમાં તેની સંડોવણી છે કે કેમ, તે દિશામાં વધુ પૂછપરછ અને તપાસ ચલાવવામાં આવી રહી છે.













