કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સંપત્તિ વિવાદ અને ખોટા વહેમના કારણે એક પરિવારે પોતાનો માળો વિંખી નાખ્યો છે. સંપત્તિમાંથી નામ નીકળી જવાના ડરથી એક પતિએ પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી નાખી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, ઝરપરા ગામે રહેતા પતિએ તીક્ષ્ણ છરીના ઘા ઝીંકીને પોતાની પત્નીની હત્યા કરી હતી.


છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા

આ હત્યા પાછળનું કારણ એવું બહાર આવ્યું છે કે પતિને ડર હતો કે તેની પત્ની અને દીકરાઓ એકસંપ થઈને તેને સંપત્તિમાંથી બેદખલ કરી દેશે. આ જ ખોટા વહેમ અને ડરના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. પત્નીની હત્યા કર્યા બાદ ગભરાયેલા પતિએ સ્થળ પરથી ફરાર થઈને ગળેફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવની જાણ થતાં જ મુન્દ્રા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને મૃતદેહોનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. આ સમગ્ર મામલે મુન્દ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના લોકો અને પરિવારજનોના નિવેદનોના આધારે હત્યા અને આપઘાત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. એક જ પરિવારના બે સભ્યોના કરુણ મોતથી ઝરપરા ગામમાં ભારે શોક અને અરેરાટીની લાગણી ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો : Amreli News : ખાંભા APMC માં 2000 મણની આવક, નીચા ભાવ છતાં ખેડૂતો મગફળી વેચવા મજબૂર, સરકાર સહાય કરે તેવી માંગ 

  • Follow us on: