"વૈષ્ણવ જન તો તેને રે કહીએ"ના ઉદ્દગાર સાથે ભક્ત કવિ નરસિંહ મહેતાની ભક્તિનો મહિમા આજે જૂનાગઢમાં ફરી ગુંજી ઉઠ્યો હતો. જૂનાગઢના ઐતિહાસિક નરસિંહ મહેતાના ચોરા ખાતે આજે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા માગશર સુદ સાતમના પાવન પર્વે ૫૭૦મી હારમાળા જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ભક્તિમય અવસરે જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડો. રૂપલબેન માંકડ દ્વારા વ્યાખ્યાન અને ખુશાલી બક્ષી દ્વારા ભક્તિ સંગીતની રમઝટ બોલાવવામાં આવી હતી. ચોરા ટ્રસ્ટ પરિવાર દ્વારા તમામ આમંત્રિત મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.


નરસિંહ મહેતાની હારમાળા જયંતિનો રસપ્રદ ઈતિહાસ

સુપ્રસિદ્ધ ભક્ત કવિ નરસિંહ મહેતા સાથે જોડાયેલા અનેક ચમત્કારો અને પ્રસંગો જૂનાગઢના ઈતિહાસમાં અમર છે. જેમાં હારમાળા જયંતિનું વિશેષ મહત્વ છે. લોકવાયકા મુજબ, જ્યારે નરસિંહ મહેતાને રા’ માંડલિકે જેલમાં પૂર્યા હતા અને તેમના ભક્ત હોવા પર આક્ષેપ લગાવ્યો હતો, ત્યારે નરસિંહ મહેતાએ ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરી હતી. તેમણે કેદારા રાગમાં ગીત ગાયું હતું કે, “ગાયે કેદારો ભક્ત તારો, ભીડ પડી છે…”. ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને ઠાકોરજીએ જેલમાં આવીને નરસિંહ મહેતાને હાર પહેરાવ્યો હતો. આ ચમત્કાર માગશર સુદ સાતમના દિવસે થયો હોવાથી તે દિવસને “હારમાળા જયંતિ” તરીકે ઉજવવામાં આવે છે.

નરસિંહ મહેતાનો ચોરો અને જૂનાગઢને વિશેષ સંબંધ

જૂનાગઢમાં આવેલો નરસિંહ મહેતાનો ચોરોએ તેમનું ઘર અને આધ્યાત્મિક કેન્દ્ર હતું. આ વિસ્તારને તે જમાનામાં જૂના નાગરવાડા તરીકે બોલવામાં આવતો હતો ઈતિહાસ અને લોકવાયકા મુજબ, નરસિંહ મહેતા દરરોજ સવારે પ્રભાતિયાનું ગાયન કરતા કરતા દામોદર કુંડમાં સ્નાન કરવા જતા હતા. ત્યાં તેઓ દામોદરરાયજીની મૂર્તિની સેવા પૂજા કરતા હતા અને ભક્તિમાં લીન થઇ જતા હતા.


આ પણ વાંચોઃ Jamnagar News: 100 મીટર દોડમાં વિજેતા થયેલી વિદ્યાર્થિનીને ફરી દોડાવાઈ, ત્રીજી વાર દોડાવતા લીવર પર ગંભીર અસર થઈ


  • Follow us on: