ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ડૉ. અનિલ નાયકે દેશના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો લાવવાની નેમ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપેલી સલાહ મુજબ ડૉક્ટરો વધુ સક્રિયતાથી કાર્ય કરશે અને દર્દીઓને સસ્તી તેમજ સ્વાસ્થ્યપ્રદ સારવાર મળી રહે તે માટેના પ્રયાસો તેજ કરવામાં આવશે. ડૉ. નાયકે ખાસ કરીને 'આઓ ગાંવ ચલે' પ્રોજેક્ટ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા અને મહિલાઓમાં કેન્સર સામે જાગૃતિ લાવવા માટે મોટા પાયે અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે.
નિર્ભય બની સેવા કરશે ડૉક્ટરો
ડૉ. અનિલ નાયકે એક ચિંતાજનક આંકડો રજૂ કરતા જણાવ્યું કે, દેશમાં દવાનો કોર્સ પૂરો ન કરવાને કારણે દર વર્ષે અંદાજે 2 લાખ જેટલા દર્દીઓના મોત નીપજે છે, જેના માટે જનજાગૃતિ અત્યંત જરૂરી છે. તેમણે સરકારને નમ્ર અપીલ કરી છે કે તમામ પ્રકારની વેક્સિન (રસી) પરથી GST દૂર કરવામાં આવે જેથી સામાન્ય નાગરિકોને આર્થિક રાહત મળી શકે. વધુમાં, તેમણે તબીબોને કોઈપણ પ્રકારના ભય કે ચિંતા વગર દર્દીઓની સેવા કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને ખાતરી આપી હતી કે IMA ડૉક્ટરોની સુરક્ષા અને ગરિમા જાળવવા માટે સદાય કટિબદ્ધ રહેશે.













