કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા આયોજિત 100મા ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ IMA નેટકોન 2025માં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, આગામી પડકારોનો સામનો કરવા માટે આ વર્ષ મહત્વનું છે. તેમણે IMAને ગંભીર ટકોર કરી હતી કે, IMAનો રોલ ડોક્ટરોના પ્રશ્નો જ ઉઠાવવાનો નથી. આરોગ્ય વ્યવસ્થા અભેદ બને તેની જવાબદારી IMAની છે.


કોરોનામાં સેવા કરનાર ડોક્ટરોનો હું આભાર માનુ છુ

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, મેડિકલ સાયન્સ ભણીને સફળ ડોક્ટર ના બની શકાય. કોઈપણ વ્યક્તિ એથિક્સ નહીં હોય ત્યાં સુધી ડોક્ટર નહીં બની શકે. માત્ર મેડિકલ સાયન્સ ભણીને ડોક્ટર ના બની શકાય. બિમાર વ્યક્તિને ડોક્ટરમાં જ ભગવાન દેખાય છે. કોરોના દરમિયાન હું ત્રણ વખત બિમાર પડ્યો હતો. ડોક્ટરોએ કોરોના સમયમાં ક્યારેય ના નથી કહી.કોરોનામાં સેવા કરનાર ડોક્ટરોનો હું આભાર માનુ છુ. ગુજરાતના 700 રિટાયર્ડ થયેલા ડોક્ટરોએ સેવા આપી હતી.

આજે યોગ કરનારની સંખ્યામાં 40 ટકા જેટલો વધારો થયો

અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, આજે યોગ કરનારની સંખ્યામાં 40 ટકા જેટલો વધારો થયો છે. બીજી તરફ માતા મૃત્યુ દરમાં પણ 25 ટકાનો ઘટાડો થયો છે. આજે ડોક્ટરો આશાનું કિરણ બનીને ઉભા છે. આવનારા સમયમાં સારા અને એથિક્સ વાળા ડોક્ટરો આવશે. આગામી પડકારોને પાર કરવા માટે આ વર્ષ મહત્વનું છે. આ સરકારે વીમા પર જીએસટી ઘટાડીને રાહત આપી છે. આયુષ મંદિરોને તાકાત આપવાનું કામ આ સરકારે કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ડોક્ટરોને સલાહ આપી હતી કે, દર્દીને જે સલાહ આપો છો તેનું તમે પણ પાલન કરો. ડોક્ટરોને ફીટ રહેવા માટે કોઈ કાયદાની જરૂર નથી. સિગારેટ ના પીવો અને અન્ય વ્યસન પણ ના કરો. વ્યસન નહીં કરો તો સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. ઉંમરમાં પણ વધારો થશે.

 મેડિકલ મૂળભૂત રીતે સેવાનું ક્ષેત્ર છે

મેડિકલ મૂળભૂત રીતે સેવાનું ક્ષેત્ર છે. બીમાર વ્યક્તિની સારવાર કરતા ડૉક્ટરમાં ભગવાનનં સ્વરૂપ દેખાય છે. આ શતાબ્દી વર્ષમાં આ ક્ષેત્રમાં નીતિશાસ્ત્રના અવકાશ અને સુસંગતતા પર પણ વિચાર કરવો જોઈએ. IMAએ આ ક્ષેત્રમાં એથિક્સને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે એક ટીમ બનાવવી જોઈએ. 100 વર્ષ પહેલાંનું એથિક્સ હવે જૂનુ થઈ ગયું છે. IMA એ ભારત સરકારને સૂચન કરવું જોઈએ કે આને તબીબી શિક્ષણમાં સામેલ કરવું જોઈએ.


આ પણ વાંચોઃ Vadodara News : વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વેશ પલટો કરી ચેન સ્નેચિંગના આરોપીને UPથી ઝડપ્યો

  • Follow us on: