અમદાવાદના ઐતિહાસિક ખાડિયા વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ભાજપ (BJP) કાર્યકર્તા રાકેશ મહેતા ઉર્ફે બોબીની ઘાતકી હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કામના કેદી મોન્ટુ નામદારે જેલમાંથી બહાર આવતા જ ભારે નફ્ફટાઈ પ્રદર્શિત કરી છે. આ હત્યાના કેસના ગુનેગારને અદાલત દ્વારા બે સપ્તાહની ફર્લો (Furlough) રજા મંજૂર કરવામાં આવતા તે જેલની બહાર આવ્યો હતો. જેલમુક્ત થતાં જ ગુનાનો પસ્તાવો કરવાના બદલે તેણે કાયદાના રીતસર ધજાગરા ઉડાડ્યા હતા.


રસ્તો રોકીને જાહેરમાં ફટાકડા ફોડ્યા 

આરોપી મોન્ટુ નામદાર સાબરમતી જેલમાંથી રજા પર છૂટીને સીધો ખાડિયા પંથકમાં પહોંચ્યો હતો. ત્યાં પહોંચતા જ મોન્ટુ અને તેના સાગરિતોએ જાહેરમાં દાદાગીરી કરીને મુખ્ય રોડ પરનો વાહન વ્યવહાર અને ટ્રાફિક બંધ કરાવી દીધો હતો. રસ્તો રોકીને આ અસામાજિક તત્વોએ રસ્તાની અધવચ્ચે મોટા પાયે આતશબાજી અને ફટાકડા ફોડીને પોતાની હાજરીની નફ્ફટ ઉજવણી શરૂ કરી હતી. ધોળા દિવસે જાહેર માર્ગ પર એક ખૂની શખ્સ દ્વારા કરાયેલી આ ગુંડાગીરીને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ અને આક્રોશ વ્યાપી ગયો હતો.

મોન્ટુ નામદાર પોલીસ પહોંચે તે પહેલાં થયો ફરાર

આ ગેરકાયદેસર આતશબાજી અને દાદાગીરીથી કંટાળીને સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના નંબર 112 પર ફોન કરીને સમગ્ર મામલાની ગંભીર જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં જ કાલુપુર અને ખાડિયા પોલીસ સ્ટેશનનો ઉચ્ચ પોલીસ કાફલો મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, પોલીસ વાનની સાયરન સાંભળતા જ આજીવન કેદનો પાકા કામનો ગુનેગાર મોન્ટુ નામદાર પોલીસ પકડમાં આવે તે પહેલાં જ તેના સાગરીતો સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: