અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઓઢવ વિસ્તારમાં આવેલા વેપારી મહામંડળ કટ પાસે એક પુરપાટ ઝડપે આવતા ટ્રકે રાહદારી યુવકને અડફેટે લેતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અમદાવાદના ઓઢવમાં આદિનાથનગર ખાતે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરના વતની સાગર અશોકભાઈ યાદવ (ઉંમર ૨૮ વર્ષ) હાઈવે પર વેપારી મહામંડળ કટ પાસે આવેલા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા.
વેપારી મહામંડળ કટ પાસે ટ્રકની રાહદારીને ટક્કર
આ દરમિયાન GJ.01.HT.9057 નંબરના ટ્રક ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી સાગર યાદવને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તજવીજ હાથ ધરી છે.













