અમદાવાદનું હૃદય ગણાતા કાલુપુર રેલવે સ્ટેશન પર આજે વહેલી સવારે ભારે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. પેસેન્જર ભરવા જેવી સામાન્ય બાબતે રિક્ષાચાલકો અને RPFના જવાનો વચ્ચે હિંસક બબાલ થઈ હતી. જેમાં સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. વહેલી સવારે જ્યારે સ્ટેશન પર ટ્રેનોની અવરજવર વધુ હોય છે, ત્યારે રિક્ષા પાર્કિંગ અને પેસેન્જર બેસાડવા બાબતે RPF જવાનો અને રિક્ષાચાલકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.
RPF જવાનોએ રીક્ષા ચાલકને માર માર્યો
આ રકઝક જોતજોતામાં ઉગ્ર બની ગઈ હતી. રિક્ષાચાલકોનો આક્ષેપ છે કે RPF જવાનોએ એક રિક્ષાચાલકને નિર્દયતાથી માર માર્યો હતો, જેના કારણે અન્ય રિક્ષાચાલકો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. ઘર્ષણ વધતા સ્ટેશન પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ભીડને વિખેરવા અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ કર્મીઓએ રિક્ષાચાલકો પર લાઠીચાર્જ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા.













