અમદાવાદના ખાણીપીણી બજારમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ગેસ સિલિન્ડરના ભાવમાં એકાએક 111 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલીમા પણ ધરખમ વધારો થયો છે. જેના કારણે હોટલ સંચાલકોમાં ભાવ વધારાને લઇને નારાજગી જોવા મળી રહી છે.


સંચાલકોની વ્યથા અને આર્થિક બોજ

તોતિંગ ભાવ વધારાને લઇને શહેરના અનેક હોટલ સંચાલકોએ આ મામલે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યુ કે, વેપાર અત્યારે માંડ માંડ પાટે ચઢી રહ્યો છે ત્યાં આટલો મોટો ભાવ વધારો કમરતોડ સાબિત થશે, ખાસ કરીને જે સંચાલકો ભાડાની જગ્યામાં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે. તેમના માટે સર્વાઇવ કરવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યુ છે. એક તરફ મિલકતનું ઉંચુ ભાડું, સ્ટાફનો પગાર સાથે સાથે લાઇટ બિલ જેવા ખર્ચાઓ, હવે ગેસના ભાવ વધતા નફાનું માર્જિન સાવ ઘટવા લાગ્યુ છે. હાલ હોટલ સંચાલકોની પરિસ્થિતિ એવી થઇ ગઇ છે જેમ કે પડતા પર પાટું મારવું.....

સામાન્ય જનતા પર શું અસર પડશે?

સંચાલકોનું સ્પષ્ટપણે માનવું છે કે ગેસના ભાવ વધવાથી જે વસ્તુઓનો ખર્ચસીધો વધી જાય છે. જો ગેસ મોંઘો થશે, તો અંતે તેનો બોજ ગ્રાહકોના ખિસ્સા પર પણ આવશે. હોટલના મેનૂ કાર્ડમાં ભાવવધારો કરવો હવે મજબૂરી બની ગઈ છે. શાકભાજી અને તેલના ભાવ પહેલાથી જ આસમાને છે, ત્યારે ગેસનો આ નવો ફટકો બહાર જમવાનું શોખીન અમદાવાદીઓ માટે પણ મોંઘું સાબિત થશે.એટલે કે હવે રેસ્ટોરન્ટના મેન્યુ પર પણ ભાવવધારાની અસર ચોક્કસથી જોવા મળશે.

આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદના મેથોડિસ્ટ ચર્ચ ખાતે કરાઇ નવા વર્ષની ઉજવણી, આકાશ રંગબેરંગી ફુગ્ગાથી સજ્યું


  • Follow us on: