અમદાવાદના વ્યસ્ત એવા વાડજ બ્રિજ પર આજે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક યુવકે જીવન ટૂંકાવવાના ઈરાદે બ્રિજ પર લગાવેલી સુરક્ષા જાળી પરથી નીચે ઝંપલાવ્યું હતું. જોકે, આ ઘટના સમયે બ્રિજ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. યુવક જેવો નીચે કૂદ્યો કે તરત જ લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને સમયસૂચકતા વાપરીને દોરડાની વ્યવસ્થા કરી હતી. યુવકે હવામાં લટકતી હાલતમાં દોરડું પકડી રાખ્યું હતું, જેને કારણે તે નીચે નદીમાં કે જમીન પર પટકાતા બચી ગયો હતો.


ફાયર ટીમ પહોંચે તે પહેલા જ લોકોએ જીવ બચાવ્યો

આ ઘટના અંગે તુરંત જ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધી સ્થાનિક લોકો અને વાહનચાલકોએ દોરડું પકડી રાખી યુવકને હિંમત આપી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે અત્યાધુનિક સાધનોની મદદથી યુવકને સુરક્ષિત રીતે ઉપર ખેંચી લીધો હતો. આ નાટ્યાત્મક રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે બ્રિજ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી, પરંતુ લોકોની માનવતાએ આજે એક અમૂલ્ય જીવ બચાવી લીધો હતો.

આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતીઓ તૈયાર રહેજો! રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે

  • Follow us on: