ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની મોટી અસર ગેસ સહિતના પુરવઠા પર પડી છે. સમગ્ર દેશમાં ગેસની બોટલોને લઈ ભારે હાલાકી સર્જાઈ છે. નાની હોટેલ અને નાશ્તાવાળાને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. લોકોમાં ગેસ પુરવઠામાં તંગી સર્જાવાની દહેશત ફેલાઈ હોવાથી ગેસ સંચાલકોની ઓફિસો પાસે લાઈનો લગાવી છે. ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી છે.
ગેસની બોટલને લઈને ભારે હાલાકી સર્જાઈ
અમદાવાદમાં ગેસની બોટલને લઈને ભારે હાલાકી સર્જાઈ છે. નાની હોટેલ અને નાશ્તાની રેસ્ટોરન્ટ ચલાવતા લોકોને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. આજે માત્ર આખા દિવસમાં એક જ બોટલ ચાલે એટલો પુરવઠો છે. નવી બોટલ મળશે તો આગળ કામ થશે તેવું હોટેલના સંચાલકોનું કહેવું છે. દુકાનદારો કહી રહ્યાં છે કે ગેસની બોટલ નહીં મળે તો અમારે કામકાજ બંધ રાખવું પડશે. અમારે ત્યાં નોકરી કરનારાને પણ અમે પૈસા નહીં આપી શકીએ. રોજ એક બોટલ જોઈએ છે જો એ પણ નહીં મળે તો અમારે ધંધો બંધ કરવા સિવાય કોઈ રસ્તો નથી. કોમર્શિયલ ગેસની અસરથી કોલેજની કેન્ટિનમાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પીજીમાં રહેતા વિદ્યાર્થીઓને પણ ભોજન મેળવવા મુશ્કેલી થઈ છે.













