રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી જતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે. હવામાન વિભાગના આંકડા મુજબ અનેક શહેરોમાં ઉંચું તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે.
રાજકોટમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન
રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ રાજકોટમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોમાં ગરમીનો તીવ્ર અનુભવ થયો હતો.
સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી
આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી અને કેશોદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાતના ડીસામાં 41 ડિગ્રી જ્યારે મધ્ય ગુજરાતના વિદ્યાનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વડોદરા અને ભુજમાં 41 ડિગ્રી તાપમાન
તે ઉપરાંત વડોદરા અને ભુજમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દરિયાકાંઠાના વેરાવળ પણ 40.8 ડિગ્રી સુધી તાપમાન પહોંચતા લોકો ગરમીથી પરેશાન બન્યા છે.
રસ્તાઓ પર અવરજવર ઘટી ગઈ
ઉચ્ચ તાપમાનના કારણે બપોરના સમયે રસ્તાઓ પર અવરજવર ઘટી ગઈ છે. ડોક્ટરો દ્વારા લોકોને જરૂરી કામ સિવાય બપોરના સમયમાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ વધુમાં વધુ પાણી પીવું, હળવા કપડા પહેરવા અને તડકાથી બચવા માટે ખાસ કાળજી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો---- New Delhi : ગુજરાતને લઇને PM નિવાસસ્થાને મળી બેઠક, ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ તથા ડે.સીએમ હર્ષ સંઘવી રહ્યા હાજર