અમદાવાદ શહેરમાંથી ખાખી વર્દીને કલંકિત કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ દ્વારા એક પ્રજ્ઞાચક્ષુ આધેડ વ્યક્તિને બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ ગંભીર ઘટનાની નોંધ લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવામાં આવ્યા છે.


પોલીસ બેડામાં ભારે ખળભળાટ

ઘટનાની મળતી વિગતો અનુસાર, ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં મહિલા પીએસઆઈ સોનલ રાઠોડે એક પ્રજ્ઞાચક્ષુ આધેડ સાથે અમાનવીય વર્તન કરી તેમને ઢોર માર માર્યો હતો. આ ઘટના સામે આવતા જ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. એક લાચાર અને દિવ્યાંગ વ્યક્તિ પર પોલીસ દ્વારા આ પ્રકારે સત્તાનો દુરૂપયોગ કરીને અત્યાચાર ગુજારવામાં આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

અમદાવાદ ગ્રામ્ય એસપીએ કરી કડક કાર્યવાહી

આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતાં અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા તાત્કાલિક અસરથી મહિલા પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આટલું જ નહીં, કાયદો હાથમાં લેનાર મહિલા પીએસઆઈ વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે ટૂંક સમયમાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો -  Ahmedabad News: ધંધુકા-રાણપુર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, 3ની હાલત ગંભીર


  • Follow us on: