અમદાવાદ શહેરના પ્રાચીન કોટ વિસ્તારમાં પ્રવેશ માટે બનાવાયેલા દરવાજાઓમાં પાંચકુવા દરવાજોનું સ્થાન ખૂબ જ વિશેષ છે. અમદાવાદની સ્થાપના બાદ ઇ.સ. 1411થી અલગ–અલગ સમયગાળામાં કુલ 12 મુખ્ય દરવાજાઓ બનાવવામાં આવ્યા હતા, જે શહેરની સુરક્ષા, વેપાર અને વ્યવસ્થાનો આધાર હતા. આ દરવાજાઓના નામ મોટેભાગે આસપાસના વિસ્તારો કે ઓળખ પરથી પડ્યા છે.


ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

પાંચકુવા દરવાજો અમદાવાદના કદમાં વધારો થતો હતો તે સમયગાળામાં બનાવવામાં આવ્યો હતો. શરૂઆતના સમયમાં, એટલે કે અહમદશાહ બાદશાહના સમયમાં, આ વિસ્તાર મુખ્યત્વે શહેરની હદ બહાર ગણાતો. પરંતુ શહેરનો વિસ્તાર વધતા આ દરવાજો મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર બની ગયો. ઇ.સ. 1871માં, અમદાવાદ રેલ્વે સ્ટેશન સુધી સરળ આવન–જાવન માટે આ દરવાજાનું મહત્વ ખાસ વધ્યું. તેથી કહી શકાય કે પાંચકુવા દરવાજો માત્ર સુરક્ષા માટે નહીં, પરંતુ શહેરના વેપાર અને પરિવહન માટે પણ ઉપયોગી બન્યો.

કોને અને ક્યારે બનાવ્યો?

પાંચકુવા દરવાજો દિવાલવાળા શહેરના વિસ્તરણ દરમિયાન મહેમુદ બેગડાના શાસનકાળમાં બાંધવામાં આવેલી બીજી કિલ્લેબંધી દિવાલનો ભાગ હતો. જો કે, આજનું સ્વરૂપ બ્રિટિશ શાસન દરમિયાન વિકસ્યું અને તે બ્રિટિશ સમયમાં બનેલો અમદાવાદનો છેલ્લો દરવાજો ગણાય છે.

સ્થાપના અને રચના

પાંચકુવા દરવાજામાં અણીદાર કમાનોના ત્રણ પ્રવેશદ્વાર છે. દરવાજાનો મધ્યનો મુખ્ય દરવાજો લગભગ 18 ફૂટ પહોળો અને 28 ફૂટ ઊંચો છે. તેના બાજુના બે દરવાજા આશરે 7 ફૂટ પહોળા અને 19 ફૂટ ઊંચા છે. આ રચના તે સમયના ઇસ્લામિક સ્થાપત્યની સાદગી અને મજબૂતી દર્શાવે છે.

‘પાંચકુવા’ નામનો અર્થ

‘પાંચકુવા’ શબ્દનો સીધો અર્થ છે – પાંચ કુવા. એક સમય એવો હતો જ્યારે આ દરવાજાની આસપાસ પાંચ કુવા આવેલાં હતા. આજે પણ અહીં એક પ્રાચીન વાવના અવશેષો જોવા મળે છે, જે દર્શાવે છે કે પ્રવાસીઓ અને વેપારીઓને પાણી અને આરામ મળે તે માટે આ સ્થળ પસંદ કરવામાં આવ્યું હશે.

આજનો પાંચકુવા દરવાજો

આજે પાંચકુવા દરવાજો અમદાવાદના સૌથી વ્યસ્ત વેપાર વિસ્તારોમાંનો એક છે.આજના સમયમાં અહીં રિટેલ અને હોલસેલ માર્કેટ જોવા મળે છે. સાયકલ અને ઇલેક્ટ્રિક સામાન માટે ખાસ ઓળખ ધરાવે છે. ઉતરાયણ દરમિયાન પતંગ અને ફીરકી માટે સમગ્ર શહેરમાં પ્રખ્યાત છે. સરકાર દ્વારા આજે પણ આ દરવાજાની દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી આ ધરોહર આવનારી પેઢીઓ સુધી સાચવી શકાય. પાંચકુવા દરવાજો માત્ર પથ્થરની રચના નથી, પરંતુ તે અમદાવાદના વિકાસ, વેપાર અને સંસ્કૃતિની જીવંત કહાણી છે. શહેરના છેલ્લા પ્રવેશદ્વાર તરીકે આજે પણ તે ગૌરવપૂર્વક ઊભો છે અને અમદાવાદની ઓળખને વધુ મજબૂત બનાવે છે.

આ પણ વાંચો : Happy birthday Ahmedabad : અમદાવાદના 12 દરવાજાઓમાં પ્રેમ દરવાજા કેમ છે ખાસ?


  • Follow us on: