અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રેલવે પાટા ઓળંગતી વખતે એક યુવકનું ટ્રેનની અડફેટે આવી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. સાંજના સમયે બનેલી આ ઘટનાને પગલે રેલવે ફાટક પર હાજર લોકોમાં ભારે ગભરાટ અને અરેરાટી ફેલાઈ ગઈ હતી.
ઉતાવળે જવાની લ્હાય જીવલેણ સાબિત થઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, મણિનગર રેલવે ફાટક નંબર 308 પર સાંજે અંદાજે પોણા સાત વાગ્યાની આસપાસ રેલવે ફાટક બંધ હતું. વડોદરાથી અમદાવાદ તરફ ટ્રેન આવી રહી હોવાથી સિગ્નલ ડાઉન હતું, તેમ છતાં એક અંદાજે 40 વર્ષીય યુવક ઉતાવળે પાટા ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ફાટકની બંને બાજુ ઉભેલા અન્ય નાગરિકોએ યુવકને ટ્રેન આવતી હોવા અંગે બૂમો પાડીને ચેતવ્યો હતો, પરંતુ કમનસીબે યુવક ટ્રેનની સ્પીડ પારખી શક્યો નહીં અને ઈલાજ મેડિકલથી મણિનગર તરફ જતી વખતે ટ્રેનની ઝપેટમાં આવી ગયો હતો.













