સમગ્ર ગુજરાત હાલમાં કાળઝાળ ગરમીની લપેટમાં છે.ગુજરાતનાં 9 શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે.અસહ્ય ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે.કચ્છના કંડલામાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા અગનગોળા વરસાવતી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયા છે.અમદાવાદ શહેરમાં એપ્રિલ મહિનામાં 44.8 ડિગ્રી તાપમાનનો રેકોર્ડ છેલ્લા 15 વર્ષમાં બીજી વખત નોંધાયો છે.ગત 30 એપ્રિલના રોજ રેકોર્ડબ્રેક 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે ફરી નોંધાયું છે.
ગરમ પવનોને કારણે રાજ્યમાં ગરમીનું જોર વધ્યું
પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમી ગરમ પવનોને કારણે રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે.હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં ગરમીએ માઝા મૂકી છે.કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું છે. જે રાજ્યનું સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન છે.અમદાવાદમાં પણ સ્થિતિ ગંભીર છે.જ્યાં મહત્તમ તાપમાન 44.8 ડિગ્રી નોંધાયું છે.જે સામાન્ય કરતાં 3.2 ડિગ્રી વધારે છે.અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં 44.5 ડિગ્રી, રાજકોટમાં 44.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.3 અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે.













