અમદાવાદ ગ્રામ્યના વિરમગામ શહેરમાં શનિવારના રોજ 'વીર સાવરકર વસ્તી' દ્વારા સમસ્ત હિન્દુ સમાજને એકતાંતણે બાંધવા માટે એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિરમગામના મુખ્ય માર્ગો પર યુવાનો દ્વારા વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી, જેના કારણે સમગ્ર શહેરમાં ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિ
વિરમગામ શહેરના ઐતિહાસિક પરકોટા વિસ્તારમાં આ હિન્દુ સંમેલન યોજાયું હતું. આ અવસરે વિવિધ મઠ-મંદિરોના સાધુ-સંતો અને પ્રખર વક્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી સંતોએ સમાજમાં એકતા, રાષ્ટ્રવાદ અને ધાર્મિક જાગૃતિ અંગે પ્રેરક ઉદબોધનો આપ્યા હતા. વીર સાવરકર વસ્તી આયોજિત આ કાર્યક્રમમાં હિન્દુ સમાજના વિવિધ સ્તરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.













