અમદાવાદના પૂર્વ વિસ્તાર ગણાતા ગોમતીપુરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. સામાન્ય ઝઘડાની અદાવતમાં તલવાર જેવા ધારદાર હથિયારો વડે એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ શહેરની શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
6 હુમલાખોર સામે નોંધાઇ ફરિયાદ
અબરાર શાહ અને તેમના પરિવાર પર છ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ "મારા ભાઈ સાથે ઝઘડો કેમ કર્યો?" તેમ કહી ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના માથાના ભાગે તલવારના ઘા ઝીંક્યા હતા. હુમલો કરનારાઓમાં ફૈઝલ, અફસર અને મેરાજ સહિત કુલ છ લોકોના નામ સામે આવ્યા છે. આ આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું અને વિસ્તારમાં ડરનો માહોલ ફેલાવતા હોવાનું જાણવા મળ્યું છે.













