ગુજરાતમાં વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આગામી 24 કલાકમાં ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ તાપમાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થવાની શક્યતાઓ નથી. લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રી વધઘટની શક્યતાઓ રહેશે.
ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે. આગામી 24 કલાકમાં તાપમાન ગગડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બેવડી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે હજી ઠંડીમાં વધારો થાય તેવી આગાહી કરી છે. આજે અમરેલી અને વડોદરા જિલ્લામાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.













