અમદાવાદ શહેરમાં ૩૧મી ડિસેમ્બરને લઈને ચાલી રહેલા સઘન ચેકિંગ દરમિયાન ગાયકવાડ હવેલી પોલીસને ડ્રગ્સના નેટવર્કને પકડવામાં મોટી સફળતા મળી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા એક શખ્સની તપાસ કરતા તેની પાસેથી ૭ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. આ આરોપી ખાસ મુંબઈથી અમદાવાદમાં ડ્રગ્સની ડિલિવરી આપવા માટે આવ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે. પોલીસની સતર્કતાને કારણે નશાની આ ખેપ પકડાઈ ગઈ છે, જેનાથી નવા વર્ષની પાર્ટીઓમાં ડ્રગ્સના દૂષણને ફેલાતું અટકાવી શકાયું છે.
એક ફેરાના 15 હજાર!
પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ બાદ પોલીસે તે જે હોટલમાં રોકાયો હતો ત્યાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી ડ્રગ્સનો વધુ જથ્થો પણ હસ્તગત કરવામાં આવ્યો છે. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ પેડલરને ડ્રગ્સની માત્ર એક ખેપ પહોંચાડવા માટે ૧૫,૦૦૦ રૂપિયા મળતા હતા. વધુમાં, જે મુખ્ય આરોપીએ મુંબઈથી આ ડ્રગ્સ મોકલ્યું હતું, તે મુંબઈ પોલીસના ચોપડે વોન્ટેડ હોવાનું પણ ખુલ્યું છે. હાલમાં ગાયકવાડ હવેલી પોલીસે આ સમગ્ર ડ્રગ્સ સપ્લાય ચેઈનના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ હાથ ધરી છે.













