અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ આ વર્ષે વીમાની શરતોને કારણે વિવાદમાં ઘેરાયો છે. કોર્પોરેશને મુલાકાતીઓની સુરક્ષા માટે ભૂકંપ, આગ અને આતંકવાદી હુમલા જેવા સંભવિત જોખમોને આવરી લેતો કુલ 5,000 કરોડ રૂપિયાથી વધુનો વીમો લીધો છે, જેના માટે 45 લાખ રૂપિયાનું જંગી પ્રીમિયમ પણ ચૂકવી દેવામાં આવ્યું છે. જોકે, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વીમા કંપનીના નિયમો સામે આવ્યા, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દુર્ઘટના સમયે વળતર મેળવવા માટે મુલાકાતી પાસે માન્ય એન્ટ્રી ટિકિટ હોવી અનિવાર્ય છે. આ શરતને કારણે તંત્ર અને નાગરિકોમાં મડાગાંઠ સર્જાઈ છે.
વીમા કંપનીના વિચિત્ર નિયમો
કાર્નિવલ દરમિયાન AMC દ્વારા તમામ મુલાકાતીઓને પરિસરમાં વિનામૂલ્યે પ્રવેશ (Free Entry) આપવામાં આવે છે, એટલે કે કોઈ પણ પ્રકારની ટિકિટ ઈશ્યુ કરવામાં આવતી નથી. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે જો કાર્નિવલમાં ટિકિટ જ આપવામાં આવતી નથી, તો વીમા કંપનીની શરત મુજબ કોઈ અકસ્માત કે દુર્ઘટનાના કિસ્સામાં મુલાકાતીઓને વળતર કેવી રીતે મળશે? આ વિરોધાભાસી સ્થિતિને કારણે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પ્રજાના ટેક્સના 45 લાખ રૂપિયા યોગ્ય ચકાસણી વગર વીમા કંપનીને પધરાવી દેવામાં આવ્યા છે. હાલમાં આ ટેકનિકલ ગૂંચવણને ઉકેલવા માટે તંત્રમાં દોડધામ મચી છે.













