અમદાવાદ શહેરમાં પુલની સુરક્ષા અને મજબૂતી વધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના અત્યંત વ્યસ્ત એવા 6 રેલવે ઓવરબ્રિજને 63 કરોડ રૂપિયાના ખર્ચે રિપેર કરી તેને 'ભૂકંપ પ્રુફ' (Earthquake Proof) બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
કયા 6 બ્રિજનું થશે કાયાકલ્પ?
કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા ઈન્સ્પેક્શન બાદ પ્રથમ તબક્કે 6 બ્રિજ પસંદ કરવામાં આવ્યા છે.
- ગિરધરનગર બ્રિજ
- નાથાલાલ બ્રિજ (મીઠાખળી)
- કેડિલા બ્રિજ
- ચામુંડા બ્રિજ
- ચાંદલોડિયા ઓવરબ્રિજ
- ચીમનભાઈ પટેલ બ્રિજ
હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ
આ રિપેરિંગ કામગીરીમાં અત્યાધુનિક હાઇડ્રોલિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ બ્રિજોના કુલ 157 સ્પાનને હાઇડ્રોલિક જેકની મદદથી લિફ્ટ કરવામાં આવશે અને તેમાં રહેલી 1757 જેટલી જૂની બેરિંગ બદલવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ બ્રિજોમાં 'સેસ્મિક વેરિયેશન' ટેકનોલોજીનો ઉપયોગ કરી તેને ભૂકંપ સામે રક્ષણ મળી રહે તેવા મજબૂત બનાવવામાં આવશે. અત્યાર સુધી આ બ્રિજ ભૂકંપ પ્રુફ ન હતા, પરંતુ આ કામગીરી બાદ તેમની આયુષ્ય અને સુરક્ષામાં ધરખમ વધારો થશે.
દુકાનદારો અને વાહનચાલકો માટે સૂચના
રેલવે ઓવરબ્રિજની નીચે આવેલી સુરક્ષાને ધ્યાને રાખીને ચામુંડા, નાથાલાલ અને ગિરધરનગર બ્રિજ નીચેની અંદાજે 100 દુકાનોને નોટિસ પાઠવી ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, કામગીરી દરમિયાન બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે, જેથી સમારકામમાં કોઈ અવરોધ ન આવે.
આ પણ વાંચો - Ahmedabad News: AMCની સંવેદનશીલ પહેલ, પાલતુ ડોગ્સ માટે દેશનું અત્યાધુનિક CNG ક્રિમેટોરિયમ તૈયાર, જાણો