અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા પાલતુ પ્રાણીઓ રાખતા શહેરીજનો માટે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સુવિધા શરૂ કરવામાં આવી છે. જે રીતે મનુષ્યો માટે અંતિમ સંસ્કારની વ્યવસ્થા હોય છે, તે જ રીતે હવે શહેરમાં પાલતુ શ્વાનના અવસાન બાદ તેમના સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર માટે ખાસ CNG આધારિત 'ડોગ ક્રિમેટોરિયમ' કાર્યરત કરવામાં આવ્યું છે.
બહેરામપુરા ખાતે 30 લાખના ખર્ચે નિર્માણ
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા CNCD એબીસી સેન્ટર ખાતે અંદાજે 30 લાખના ખર્ચે આ આધુનિક ક્રિમેટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગુજરાતનું પ્રથમ એવું સેન્ટર છે જ્યાં CNG ટેકનોલોજીનો ઉપયોગ કરીને શ્વાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ મશીન ગેસ ફાયર્ડ હોવાથી તે સ્મોકલેસ (ધુમાડા વગરનું), ઓડરલેસ (દુર્ગંધ વગરનું) અને સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે.













