અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે વિઠ્ઠલાપુર પોલીસ દ્વારા બાતમીના આધારે દારૂની હેરાફેરીનો એક નવતર કિમીયો નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. વિઠ્ઠલાપુર ચોકડી પાસે એક પીકઅપ ડાલામાં ડાંગરના ભૂસાની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.


ભૂસાના કોથળા નીચે છુપાવી હતી દારૂની બોટલો

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિઠ્ઠલાપુર ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા પીકઅપ ડાલાને અટકાવી તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉપરથી ડાંગરનો ભૂસો ભરેલો હોવાનું દેખાતું હતું, પરંતુ તેની નીચે વિદેશી દારૂની પેટીઓ છુપાવેલી હતી. પોલીસ દ્વારા તપાસ દરમિયાન વિદેશી દારૂની કુલ 4222 નંગ બોટલો અને 24 નંગ બિયર ટીન મળી કુલ લાખોની કિંમતનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો.

16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો અને પીકઅપ ડાલુ મળી કુલ રૂપિયા 16,09,474 નો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી ભુરાજી કેશાજી વણોદરા નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો - Ahmedabad News: શહેરમાં હું નથ્થુરામ ગોડસે નાટકનો શો રદ કરાયો, 75 ટકા ટિકિટો વેચાઈ ગઈ હતી


  • Follow us on: