અમદાવાદના નાના ચીલોડા વિસ્તારમાં રહેતા જાણીતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલે કરેલી આત્મહત્યાના મામલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને આક્રોશનો માહોલ છે. તાજેતરમાં નાના ચીલોડા ખાતે ઋષભ પટેલની યાદમાં એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો, સ્નેહીજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ઋષભને ભીની આંખે અશ્રુાંજલિ આપવાની સાથે-સાથે આ આત્મહત્યા માટે જવાબદાર પરિબળો સામે કડક તપાસની માંગણી કરવામાં આવી હતી. સ્થાનિકોનું માનવું છે કે ઋષભને આ આત્યંતિક પગલું ભરવા માટે મજબૂર કરનારા તત્વોને કાયદાકીય સજા મળવી જોઈએ.
યુવા બિલ્ડર પુત્રના નિધનથી શોકનું મોજું
આત્મહત્યાની આ ઘટનાએ અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે અને સમાજમાં યુવા વર્ગમાં વધી રહેલા માનસિક દબાણ અંગે પણ ચર્ચા છેડી છે. શ્રદ્ધાંજલિ સભા દરમિયાન લોકોમાં તંત્ર અને પોલીસ તપાસ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પરિવાર અને સમર્થકોની એક જ માંગ છે કે આ કેસમાં કોઈ પણ પક્ષપાત વગર નિષ્પક્ષ તપાસ થાય અને સત્ય બહાર આવે. ઋષભના મોતથી નાના ચીલોડા પંથકે એક હોનહાર યુવક ગુમાવ્યો હોવાની લાગણી સાથે લોકોએ આ મામલે સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હસ્તક્ષેપ કરે તેવી રજૂઆત કરી છે.













